Tuesday, March 11, 2025
Homeરાજ્યગુજરાતઉના(અમરેલી) પછી હવે વાવાઝોડું મહેસાણા તરફ રવાના

ઉના(અમરેલી) પછી હવે વાવાઝોડું મહેસાણા તરફ રવાના

- Advertisement -

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને હાલ વાવાઝોડું અમરેલીથી નીકળી ગઢડા તરફ આગળ વધ્યું છે.અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે.

- Advertisement -

વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પરંતુ હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મધરાતથી જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના ગાંધીચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડ્યું હતું. જેને પગલે ગાંધીચોકથી રેલવે સ્ટેશન સુધી જવાનો રસ્તો બંધ થઈ ગયો. ત્યારે પાલિકાને આ ઘટનાની જાણ થતા હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

- Advertisement -

રાજકોટમાં મોડી રાતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. એટલું જ નહીં તોફાની પવન સાથે મધરાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઇને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

વેરાવળમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે પવનને કારણે અનેક જગ્યાઓએ મંડપ સહિત પતરાંઓ ઉડી ગયા હોય તેવી ઘટનાઓ બની છે. આ ઉપરાંત બાયપાસ રોડ ઉપર પણ અનેક વૃક્ષ જમીનદોસ્ત થયા છે. જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે.

- Advertisement -

વાવાઝોડા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે, વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે છે. સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશે. જેમાં 150 કિ.મી. પવન રહેશે. આખી પ્રક્રિયા ચાર કલાક ચાલે છે. ચાર જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વધુ અસર થશે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાની અસરમાં ઝાડ પડ્યા છે અને લાઇટો બંધ થઇ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, આણંદ, ભરૂચ અને ધોલેરામાં પણ તેની અસર જોવા મળશે.

તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની મીના બોટ ગાયબ થઈ જતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. 13મી તારીખે ધોલાઇ બંદરથી 8 માછીમાર સાથે આ બોટ નીકળી હતી, તે પછી તેનો કોઇ પત્તો લાગ્યો નથી. હાલ તેની શોધખોળ ચાલી રહી હોવાની માહિતી સાંપડી છે.

સોમવારે મુંબઈથી નીકળેલી મનિષભાઈ ગ્રુપની 17 બોટ નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચતા માછીમારોના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. મનિષભાઈ ગ્રુપના મનિષભાઈએ જણાવ્યું હતું કે, મુંબઈથી દરિયો ખેડી માછીમારી કરતા હતા ત્યારે તાઉતે વાવાઝોડાની ખબર પડી હતી. જોકે એ વખતે મુંબઈના દરિયા વિસ્તારમાં તેની અસર વધી હતી. આથી મુંબઈ દરિયાકાંઠે જવા કરતા નવસારી પરત આવવાનું મુનાસિબ માન્યું હતું. મુંબઈમાં જે તે સંબંધીઓને તેની જાણ કરી અમે પરત આવવવા નીકળ્યા હતા. નવસારી કાંઠે પહોંચતા 16 કલાકની જગ્યાએ વખતે દરિયો તોફાની હોવાથી 20 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ વખતે દરિયો પાલઘર (મુંબઈ) પછી ગુજરાત તરફ આવતા દરિયામાં વધુ કરંટ જોવા મળ્યો હતો. સાથે વરસાદ અનને પવનને કારણે બોટની ઝડપ પણ ઘટાડવાની ફરજ પડી હતી. રેગ્યુલર કરતા મોટા મોજા જોતા જ વાવાઝોડુ ઝડપથી આગળ વધી રહ્યાનો અંદાજ આવી ગયો હતો. જેથી શક્ય તેટલી ઝડપે કાંઠે આવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ભાટના કાંઠે 8 અને કૃષ્ણપુરના કાંઠે 9 મળી કુલ 17 બોટ સાથે નવસારીમાં આવી પહોંચ્યા હતા. જેમાં 200 જેટલા માછીમારો બોટમાં હતા. પરિવારજનોમાં પણ અમે પરત ફરતાં આનંદ છવાયો હતો.

રાજ્યમાં “તાઉ’તે” વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં ગઉછઋની 44 ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે 20 જિલ્લાઓમાં ગઉછઋની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરાઇ છે.

લોકોને સ્થળાંતર કરવાની મોટી કામગારી પૂર્ણ કરી દેવામાં આવી છે. 5 જિલ્લામાંથી 1 લાખથી વધુ અને રાજ્યમાંથી કુલ 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 19 હજાર માછીમારો અને તમામ બોટ પાછી આવી ગઇ છે. 11 હજાર અગરિયાઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, સચિવ અને વધુ પ્રભાવિત જિલ્લામાં એડીજીપી કાર્યરત છે. ફોરેસ્ટ એનર્જી, 108, ક્ધટ્રોલ રૂમ એરેન્જ કરાયા છે. ક્ધટ્રોલ રૂમની અંદર સેટેલાઇટ ફોન સાથે કનેક્ટિવિટી કરવામાં આવી હોવાનું એડિશનલ ચિફ સેક્રેટરી પંકજ કુમારે જણાવ્યું છે.

સૌરાષ્ટ્રના સાગરકાંઠે પહોંચી ગયેલા વિનાશક વાવાઝોડું ‘તાઉ તે’ ચક્રવાત મહેસાણા જિલ્લામાં મંગળવારે રાત્રે 9.00થી બુધવારે બપોરે 12.00 વાગ્યા દરમિયામાં ત્રાટકશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે જિલ્લાના વાતાવરણમાં રવિવારથી પલટો આવી ગયો છે અને રવિવારે રાત્રે કડીમાં માવઠું વરસ્યો હતો. તેમજ જોટાણામાં ઝાડ પડી ગયું હતું.

મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને મહેસાણા શહેર જિલ્લામાં તમામ સ્ટાફને કામે લગાડી દેવામાં આવ્યો છે. મહેસાણા નગરપાલિકા દ્વારા પણ શહેરમાં આવેલા 35 જેટલા હોર્ડિગ્સ ઉતારી લેવામાં આવ્યા છે તેમજ ખાનગી માલિકીના હોર્ડિગ્સ પણ ઉતારી લેવા આદેશ કરાયો છે. તેમજ જે માલિક દ્વારા હોર્ડિંગ્સ ઉતારવામાં નહીં આવે તેના હોર્ડિંગ્સ નગરપાલિકાની ટીમ ઉતારી લેશે અને તેનો ચાર્જ હોર્ડિંગ્સ માલિકના વેરા બીલમાં ઉમેરી દેવાશે.

વાવાઝોડાના આગમન પૂર્વ જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. કડીમાં રવિવારે રાત્રે વરસાદી ઝાપટા વરસ્યા હતા અને 3 એમએમ પાણી પડ્યાનું નોંધાયો છે. વાતાવરણમાં પલટો આવવાથી ખેતીમાં પણ નુકસાન થવાની ભીતિ છે. ‘તાઉ તે’ ચક્રવાત આજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહી છે ત્યારે આ વાવાઝોડાથી થનારા સંભવિત નુકસાનને અટકાવવા માટે અને તેની માઠી અસરથી બચવા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે.

ત્યારે મહેસાણા જિલ્લામાં પણ વહીવટીતંત્રે વાવાઝોડાના વિનાશથી બચવા તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. વાવાઝોડાની અસર બેચરાજી, જોટાણા અને કડી પંથકમાં વધુ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. મહેસાણા જિલ્લામાં સોમવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વાદળછાયા વાતાવરણની સાથોસાથ પવનની ગતિમાં પણ વધારો થઈ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular