જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સિંગ કર્મચારીઓ દ્વારા યૂનાઇટેડ નર્સિંગ ફોરમના નેજા હેઠળ છેલ્લા કેટલાંક દિવસોથી પડતર માંગણીઓને લઇ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજરોજ નર્સિંગ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતાં. જી.જી. હોસ્પિટલ ખાતે 700 જેટલા નર્સિસ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ અધિકારીઓ નર્સિંગ કર્મચારીઓને હડતાલ સમેટી લેવા સમજાવ્યા હતાં. જેને ધ્યાને લઇ નર્સિંગ કર્મચારીઓએ હડતાલ સમેટી હતી. પરંતુ ઘરે રહી વિરોધ ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો.
જામનગરમાં યૂનાઇટેડ નર્સિંસ ફોરમના નેજા હેઠળ નર્સિંગ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ર્નો અંગે છેલ્લા કેટલાંક દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ફરજ દરમિયાન કાળીપટ્ટી વિરોધ પ્રદર્શનથી શરુઆત થયા બાદ આજે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતાં. સરકાર દ્વારા યુએનએફ ટીમ પ્રતિનિધિ ગ્રુપને મિટિંગમાં બોલાવી એકતરફ ચર્ચા કરી, હડતાલ પાછી ખેંચી લેવા અપીલ કરી હતી. તો બીજીતરફ કોઇપણ ફાયનલ નિર્ણય લેતાં પહેલાં બે પ્રતિનિધિઓની બદલી કરી નાખવામાં આવતાં નર્સિંગ કર્મચારીઓમાં રોષ છવાયો હતો. જેને લઇને નર્સિંગ કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર વિરુધ્ધ વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. આજે સવારે તમામ નર્સિંગ કર્મચારીઓ મેડિકલ કેમ્પસ ખાતે એકત્ર થયા હતાં અને હડતાલ યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે જામનગર સીટી-બી પોલીસ સ્ટેશનના પીએસઆઇ મેઘરાજસિંહ વાળા તેમજ સીટી-બી પોલીસ સ્ટાફ દ્વારા નર્સિંગ કર્મચારીઓને હડતાલ સમેટી લેવા સમજાવ્યા હતાં. જેને લઇ નર્સિંગ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી. પરંતુ ઘરે રહીને ફરજથી દૂર રહી વિરોધ ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો.