ચીન સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી બાદ જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોના બેલગામ બની ગયો છે. છેલ્લા 7 દિવસમાં વિશ્વભરમાં કોરોનાના 30 લાખથી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, રોગચાળાને કારણે 9847 લોકોએ જીવ ગુમાવ્યો છે. એકલા જાપાનમાં જ 7 દિવસમાં કોરોનાના કારણે 2188 લોકોના મોત થયા છે.
કોરોનાના આંકડાઓ પર નજર રાખતી સંસ્થા વર્લ્ડોમીટર્સ અનુસાર, છેલ્લા 7 દિવસમાં વિશ્ર્વમાં કોરોનાના 3,044,999 કેસ નોંધાયા છે. જયારે 9,847 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન 2,545,786 લોકો સાજા પણ થયા છે.
જાપાન કોરોનાથી સૌથી વધુ સંક્રમિત છે. છેલ્લા 1 અઠવાડિયામાં અહીં 10 લાખ કેસ મળી આવ્યા છે. તે જ સમયે 2188 લોકોના મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં 457,745 કેસ નોંધાયા છે. તે જ સમયે, 429 લોકોના મોત થયા છે. અમેરિકામાં 7 દિવસમાં 212,026 કેસ મળી આવ્યા છે. જયારે છેલ્લા 7 દિવસમાં કોરોનાથી 1239 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રાઝિલમાં 7 દિવસમાં 185,947 કેસ મળી આવ્યા છે. જયારે 1015 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, ચીનના પડોશી તાઈવાનમાં 185947 કેસ મળી આવ્યા છે. આ દરમિયાન 174 લોકોના મોત થયા છે. હોંગકોંગમાં કોરોનાથી 291 લોકોના મોત થયા છે. જયારે 164182 કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત જર્મની (157,928), ફ્રાન્સ (147,584), આર્જેન્ટીના (72,558), ઇટાલી (67,228) અને ઓસ્ટ્રેલિયા (46,439)માં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જર્મનીમાં 7 દિવસમાં 697 લોકોના કોરોનાથી મોત થયા છે. ફ્રાન્સમાં 808, ઈટાલીમાં 430 અને ઓસ્ટ્રેલિયામાં 106 લોકોએ જીવ ગુમાવ્યા છે. ચીનમાં ઝીરો કોવિડ પોલિસી પાછી ખેંચી લેવામાં આવી ત્યારથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.
દરમિયાન, યુકે સ્થિત હેલ્થ ડેટા ફર્મના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં દરરોજ લગભગ 9,000 લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે. ફર્મના રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં ચીનમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા એક લાખની નજીક હોઈ શકે છે. એટલું જ નહીં, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં અત્યાર સુધીમાં 18.6 કરોડ કેસ મળી આવ્યા છે. તે જ સમયે, જાન્યુઆરીના મધ્ય સુધી, પરિસ્થિતિ વધુ બગડવાના સંકેતો છે. એક અંદાજ મુજબ દરરોજ 37 લાખ કેસ આવશે. એટલું જ નહીં 23 જાન્યુઆરી સુધી ચીનમાં 5.84 લાખ લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.
એલર્ટ : ભારતમાં કોરોનાના કેસમાં 25 ટકાનો ઉછાળો
ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થથથી લોકોની ચિંતા વધી ગઈ છે. ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયે કોરોનાના કેસમાં 25 % જેટલો વધારો નોંધાયો છે. આ ઉપરાંત પણ ભારતમાં ઓમિક્રોનના વેરીયંટ XBB1.5 ના કેસોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. ચીન સહીત વિશ્ર્વના ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેમાં હવે ભારતનું નામ પણ ઉમેરાયું છે. દેશમાં સતત બીજા અઠવાડિયે કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી છે. ગત રવિવાર સુધીમાં દેશમાં કોરોનાના કેસમાં 1526 નવા કેસ નોંધાયા છે, જે એના પહેલાના અઠવાડિયે 1219 હતા જેમાં કુલ 25 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાના વધતા કેસ જોઈને લોકોની ચિંતા વધી ગઈ છે. આની સાથે જ ભારતમાં ઓમિક્રોન વેરીયંટ XBB1.5 ના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. આ એ જ વેરીયંટ છે જેના અમેરિકામાં 40% વધુ કેસ નોંધાયા છે. જો કે ભારતમાં આ વેરીયંટના મામુલી લક્ષણ જોવા મળ્યા છે.
આ વચ્ચે જ માર્ચ 2020 પછી પહેલીવાર ગત સપ્તાહે એટલે કે 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે કોવિડના લીધેના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. કર્ણાટકમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. જ્યાં આ અઠવાડિયે 276 નવા કેસ નોંધાયા છે અને ગયા સપ્તાહે કોરોનાના 116 કેસ નોંધાયા હતા. આ સિવાય અન્ય કોઈ રાજ્યમાં કોવીડના કેસમાં આટલો વધારો નોંધાયો નથી. કેરળમાં ગયા અઠવાડિયે 467 નવા કેસ નોંધાયા હતા અને તમિલનાડુમાં કેસની સંખ્યા વધીને 86 થઇ ગઈ હતી. મહારાષ્ટ્રમાં આ અઠવાડિયે 168 નવા કેસ નોંધાયા છે અને દિલ્હીમાં 81, રાજસ્થાન સહીત અન્ય રાજ્યોમાં 50થી ઓછા કેસ નોંધાયા છે. XBB1.5 વેરીયંટનો છેલ્લો કેસ ગુજરાતમાં નોંધાયો હતો. ઓમિક્રોનના આ વેરીયંટના ગુજરાતમાં 3, કર્ણાટક અને રાજસ્થાનમાં 1-1 કેસ નોંધાયા છે. ભારતમાં જો કે આના કોઈ ગંભીર લક્ષણો દેખાયા નથી પણ જ્યારે આ વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવું ખુબ જરૂરી છે.