ભારતમાં કોરોના વાયરસ બાદ હવે મંકીપોક્સનો ખતરો શરૂ થયો છે. કેરળ બાદ હવે રાજધાની દિલ્હી અને તેલંગણામાં મંકીપોક્સના નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં 3 કેસ અગાઉ હતા જ. આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં મંકીપોક્સનો જે દર્દી મળ્યો છે તેનો કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નથી. તેલંગણાના કામારેડ્ડી જિલ્લામાં એક વ્યક્તિને મંકીપોક્સના લક્ષણ જોવા મળ્યા છે. દર્દીને હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે કુવૈતથી પરત આવ્યો હતો અને 20 જુલાઈએ તેને તાવ આવ્યો હતો.
બીજી તરફ, અમેરિકામાં પ્રથમ વખત બે બાળકોમાં આ સંક્રમણ જોવા મળ્યો છે. હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, એક બાળક કેલિફોર્નિયાનો છે, જ્યારે અન્ય બાળક નવજાત છે અને અમેરિકાનો રહેવાસી નથી. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે બંને બાળકોની હાલત સ્થિર છે. સારવાર માટે, તેઓને એન્ટિવાયરલ દવા ટેકોવિરિમેટ આપવામાં આવી છે.
માહિતી અનુસાર, ભારત સહિત 80 દેશોમાં 16,886 દર્દીઓની પુષ્ટિ થઈ છે. તેમાંથી યુરોપમાં સૌથી વધુ 11,985 લોકો મંકીપોક્સથી પ્રભાવિત થયા છે. તે જ સમયે, રોગથી પ્રભાવિત ટોચના 10 દેશોમાં બ્રિટન, સ્પેન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, પોર્ટુગલ, કેનેડા, નેધરલેન્ડ, ઇટાલી અને બેલ્જિયમનો સમાવેશ થાય છે. આ વર્ષે મંકીપોક્સથી ત્રણ લોકોના મોત થયા છે. ડબલ્યુએચઓએ મંકીપોક્સને કારણે વિશ્વવ્યાપી આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
ડબલ્યુએચઓએ જણાવ્યું છે કે આ રોગ દર્દી ત્વચાથી ત્વચાના સંપર્ક દ્વારા અથવા ખોરાક દ્વારા પણ ફેલાય છે.
આ સિવાય સંક્રમિત વ્યક્તિના કપડાં, વાસણો અને પથારીને સ્પર્શ કરવાથી પણ મંકીપોક્સ ફેલાઈ શકે છે. દરમિયાન કેરળના વાયનાડ જિલ્લામાં ‘આફ્રિકન સ્વાઇન ફીવર’ પ્રસર્યો હોવાના અહેવાલ સામે આવ્યા, ત્યાર બાદ 360 જેટલા ડુક્કરને મારવાનું નક્કી થયું હતું, પરંતુ તેનો કેરળના ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યા છે.