જામનગર સહિત હાલાર પંથકમાં સોમવારથી શરૂ થતા શ્રાવણ માસને લઇ શિવભકતોમાં હરખની હેલી છવાઈ છે. શહેરમાં આવેલા શિવમંદિરોમાં રોશનીનો શણગાર સહિતની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી એક માસ સુધી શહેરના શિવાલયોમાં હર હર ભોલે તથા હર હર મહાદેવ ના નાદ ગુંજી ઉઠશે. ભગવાન ભોળાનાથને રીઝવવા શિવભકતો અધિરા બન્યા છે.
છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં સોમવારથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિના રંગે રંગાવા શિવભકતો અધિરા બન્યા છે. છોટીકાશી એવા જામનગર શહેરમાં અનેક-નાના મોટા શિવાલયો આવેલા છે. જેમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન શિવજીના શ્રૃંગાર દર્શન, આરતી, રૂદ્રાભિષેક, લઘુરૂદ્ર સહિતના અનેક ધાર્મિક આયોજનો થતા હોય છે. દર વર્ષે શિવાલયોમાં શિવભકતોની ભારે ભીડ જામતી હોય છે. ત્યારે શિવભકતોના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસને ગણતરીની કલાકો બાકી રહી છે એમાં પણ આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી જ થતો હોય, શ્રાવણ માસના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવાર ને લઇ શિવભકિતમાં ભીંજાવા શિવભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થાય છે અને અંત પણ સોમવારથી થાય છે. સોમવારે અમાસ સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. આમ શ્રાવણ મહિનામાં ચારને બદલે પાંચ સોમવાર આવે છે જેને લઇ શિવભકતોમાં અનેરો થનગનાટ છવાયો છે. તેમાં પણ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એવો રક્ષાબંધન પણ સોમવારે આવી રહ્યું છે.
શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી જ થતો હોય. શિવભકતોનો આનંદ બેવડાયો છે. દિવાસા અને એવરત – જીવરતના વ્રત બાદ પરમ દિવસે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. સોમવારને 5 ઓગસ્ટના શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. છોટીકાશી એવા જામનગર શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, બેડેશ્વર મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર, ઇચ્છેશ્વર મહાદેવ મંદિર, હજારેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર, કુબેરભંડારી મહાદેવ મંદિર સહિતના અનેક નાના મોટા શિવ મંદિરોમાં એક માસ સુધી બમ-બમ ભોલે, હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. શિવાલયોમાં રોશનીનો શણગાર તથા સજાવટ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શિવ મંદિરોમાં ભગવાન શિવજીને વિવિધ શ્રૃંગાર, જળાભિષેક, દુગ્ધાભિષેક, લઘુરૂદ્ર, મહારૂદ્ર સહિતની પુજાઓ સહિતના આયોજન પણ થશે. જેનો શિવભકતો મોટી સંખ્યામાં લાભ લેશે.
ખંભાળિયા શહેરમાં ખામનાથ મહાદેવ કે જે તેની ઘી ની મહાપૂજા તથા વિશિષ્ટ દર્શન માટે પ્રસિદ્ધ છે. ઘી નદીના કાંઠે ત્રણ શિવલિંગ વાળા રામનાથ મહાદેવ ઉપરાંત શહેરમાં શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, તેલી નદીના કાંઠે બિરાજતા સુખનાથ મહાદેવ, ટેકરી પર બિરાજતા જડેશ્વર મહાદેવ, શક્તિનગરમાં ભવ્ય મેળો યોજાય છે તે શીરેશ્વર મહાદેવ, ગ્રામ્ય પંથકમાં રામનગરમાં અખંડ ધુણા વાળા બાલનાથ મહાદેવ, ભાતેલમાં સ્ટેશન માસ્તર વતી ફરજ બજાવેલા ઐતિહાસિક ભોળેશ્વર મહાદેવ, દાત્રાણા પંથકમાં દંતેશ્વર મહાદેવ કે જે છઠ્ઠી સદીમાં બનેલું પ્રાચીન શિવ મંદિર છે.
ભાણવડ પાસે પાંડવોના અજ્ઞાતવાસના સમયના ઈન્દ્રેશ્વર મહાદેવ તથા બરડા ડુંગરમાં બિરાજતા કિલેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, બિલનાથ મહાદેવ, ગોપના ડુંગર પર બિરાજતા ગોપનાથ મહાદેવ, બજાણા ગામના કાશી વિશ્વનાથ મહાદેવ, સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા કોટા ગામના કોટેશ્વર મહાદેવ, વડત્રા ગામે ધિંગેશ્વર મહાદેવ, મોડપર પાસે તુંંગેશ્વર મહાદેવ, સોડસલા ગામે નાગનાથ મહાદેવ, ભરાણા ગામે ધીંગેશ્વર મહાદેવ, ખંભાળિયાના મહાદેવ વાડાના શિવ મંદિરો કે જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ બિલિપત્ર ચડે છે. ત્યારે સોમવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય, શિવ ભક્તો આ અંગેની તૈયારીઓમાં લાગી ગયા છે. તમામ શિવ મંદિરોમાં આખો શ્રાવણ માસ દર્શન, પૂજા તથા યજ્ઞના ધર્મમય આયોજનો થશે.