ઉપલેટા, ભાયાવદર પંથકમાં સોમવારે રાતે જોરદાર ધડાકો સંભળાયા બાદ રોશનીના ચમકારા દેખાતાં લોકોમાં ભય સાથે કૂતુહલ પેદા થયું હતું અને આ ઘટના સોશિયલ મીડિયામાં અલગ રીતે જાહેર થતાં પ્રજાજનો ગભરાયા હતા. તેના વિડીઓ પણ વાયરલ થયા છે. પરંતુ ખરેખર આ એરફોર્સની રૂટીન કવાયત હતી.
ગતરાત્રીના રોજ જુનાગઢ, ઉપલેટા, જેતપુર, ભાયાવદર અને આસપાસના વિસ્તારોમાં અચાનક આકાશમાં આગના લપકારા સાથે ધડાકાઓ જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું અને ભયના માર્યા તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થયો છે જેમાં આકાશમાં આગના લબકારા મારતી ચાર લાઈન જોવા મળી હતી. આ અંગે મામલતદાર જી.એમ. મહાવદિયાએ જણાવ્યું હતું કે અમારે જામનગરની જેમ જ સમાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે. એરફોર્સની આ રૂટિન કવાયત છે. અને એરફોર્સના પ્લેન હોવાનું સામે આવ્યું હતું.