દેશ હજુ કોરોના મહામારીની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યાં ત્રીજી લહેરની ચેતવણી આવી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને આ અંગે સાવચેત કરતા બુધવારે કહ્યું કે ઓછી સાવચેતી, પહેલી લહેરમાં લોકોમાં ઓછી ઇમ્યુનિટી ડેવલપ થવાને કારણે બીજી લહેરમાં સ્થિતિ વણસી. બીજી લહેર આટલી ઘાતક હોવનો અંદાજ ન હોતો. આ લહેરમાં જે ઝડપે વાઇરસ ફેલાઇ રહ્યો છે તે જોતાં ત્રીજી લહેર આવવી નિશ્ર્ચિત છે. જો કે, તે કયારે આવશે અને કયા સ્તરની હશે તે અંગે હાલ કંઇ કહી શકાય તેમ નથી. આપણે તેની સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. પહેલી લહેરમાં વાઇરસના બે મ્યુટેશન જોવા મળ્યા. ગત ઓકટો.માં શરૂ થયેલી બીજી લહેરમાં તેમાં નાટકીય ફેરફાર જોવા મળ્યો અને બ્રિટન જેવો નવો વેરિયન્ટ સામે આવ્યો. તેમણે ઉમેર્યું કે વાઇરસના હાલના વેરિયન્ટ્સ સામે વેકિસન અસરકારક છે. યુકે વેરિયન્ટ સામે પણ કારગત છે.