કાલાવડ તાલુકાના ભાયુખાખરિયા ગામમાં પાણીની ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં સમયે પ્રૌઢાની સાડી મોટરના પંખામાં ફસાઈ જતાં વીજશોક લાગવાથી મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતાં પ્રૌઢને શ્વાસ ચડતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભાયુખાખરિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા મનહરબા ગીરીરાજસિંહ જાડેજા (ઉ.વ.53) નામના પ્રૌઢા બુધવારે સવારના સમયે તેના ઘરે પાણીની ઈલેકટ્રીક મોટર ચાલુ કરતા આ મોટરના પંખામાં પ્રૌઢાએ પહેરેલ સાડી ફસાઈ જતાં વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ ઢળી પડયા હતાં. બાદમાં પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની છત્રપાલસિંહ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો જી.પી. ગોસાઈ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતાં અને ખેતી કરતા મનસુખભાઈ હરજીભાઈ રાંક (ઉ.વ.55) નામના પ્રૌઢને શ્વાસની બીમારી હતી અને બુધવારે મધ્યરાત્રિના સમયે અચાનક તેમના ઘરે શ્વાસ ચડતા સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર પ્રવિણ દ્વારા કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
પાણીની મોટરમાં સાડી ફસાઈ જતાં વીજશોકથી પ્રૌઢાનું મૃત્યુ
ભાયુખાખરિયા ગામમાં મોટર ચાલુ કરવા જતા અકસ્માત: પીપર ગામમાં શ્વાસ ચડતા પ્રૌઢનું મોત