કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામની સીમમાં આવેલાં ખેતરમાં દવા છાંટતા સમયે વિપરીત અસર થવાથી પ્રોઢ ખેડૂતનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગરની ગુરૂ ગોંવિદસિંગ હોસ્પિટલ સામેથી બેશુધ્ધ હાલતમાં મળી આવેલાં અજાણ્યા પ્રોઢનું મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મૂજબ કાલાવડ તાલુકાના ધૂનધોરાજી ગામમાં રહેતા મગનભાઇ દામજીભાઇ વિરાણી (ઉ.વ.52) નામના પ્રોઢ ખેડૂત શનિવારે સાંજના સમયે તેના ખેતરમાં દવા છાંટતા હતાં તે દરમ્યાન દવાની વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યૂં હતું. આ અંગેની મૃતકના પુત્ર નિકુંજ દ્વારા જાણ કરતાં હેકો. વી.વી.છૈયા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરની ગુરૂ ગોંવિદસિંગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ સામેથી શનિવારે રાત્રીના સમયે 50 વર્ષનો અજાણ્યો પ્રોઢ બેશુધ્ધ હાલતમાં મળી આવતાં વિક્રમસિંહ ઝાલા દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં પ્રોઢનું મોત નિપજયાંનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે પી.એસ.આઇ એસ.વી.સામાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથધરી હતી.