દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા ખાતે ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ માટે અનોખી અને નમૂનેદાર સેવા – સારવાર કરવામાં આવી રહી છે. પોલીસના કેમ્પમાં પદયાત્રીઓ માટે રાતવાસો, ભોજન ઉપરાંત અન્ય મહત્વની સેવાઓ નોંધપાત્ર બની રહી છે.
દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી ચાલીને દ્વારકા તરફ જતા પદયાત્રીઓ માટે ખંભાળિયા – જામનગર હાઈવે પર આરાધના ધામની સામેના ભાગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અત્યાધુનિક પ્રકારનો પોલીસ સેવા કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તેમજ અન્ય વિભાગની પોલીસ ટીમ દ્વારા કેમ્પમાં સતત અવિરત સેવા સુશ્રુષા કરવામાં આવે છે.
ગત તારીખ 16 માર્ચથી શરૂ થયેલા પોલીસના સૌ પ્રથમ વખત આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને આશરે સાડા પાંચ હજારથી વધુ પદયાત્રીઓને “જય દ્વારકાધીશ” લખેલા રેડિયમ વાળા સ્ટીકર તેમજ રેડિયમ પટ્ટીઓ લગાવી અને સલામત અને સુરક્ષિત બનાવવામાં આવ્યા છે. આ કેમ્પમાં આશરે 25 હજારથી વધુ પદયાત્રીઓ ચા-પાણી તેમજ 9000 જેટલા યાત્રાળુઓએ નાસ્તો અને 8000 જેટલા લોકોએ બપોર તેમજ સાંજના સમયે સાત્વિક અને ગરમ ભોજન લઈ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ કેમ્પમાં પોલીસ દ્વારા 600 જેટલા બેડ ઉભા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બાળકો માટે ઘોડિયા તેમજ રમકડાની સુવિધા, મોબાઇલ ચાર્જર, મેડિકલ સુવિધા તેમજ પદયાત્રીને થાક ઉતારવા માટે વાઇબ્રેટર મશીન પણ રાખવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા અહીં આવેલા 500 જેટલા પદયાત્રીઓને ચપ્પલ તેમજ બુટ આપીને અનેરી માનવતા પૂર્ણ એવા કરાઈ હતી.
રાત્રિના સમયે પદયાત્રીઓને સુગમતા બની રહે તે માટે 400 જેટલી નાની ટોર્ચ લાઈટ તેમજ 25000 જેટલી પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પદયાત્રીઓને પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ સાબુ, ટૂથ પેસ્ટ, ટુથ બ્રશ, પ્રાથમિક મેડિકલ બોક્સ, ખુરશી, ટુવાલ, ગરમ પાણી ઉપરાંત મનોરંજન માટેની સાઉન્ડ સિસ્ટમ વિગેરેની અનેકવિધ સેવાઓ અહીં આવેલા પદયાત્રીઓ માટે અવિસ્મરણીય બની રહી છે.
પદયાત્રીઓની સેવા સાથે સુરક્ષા માટે જિલ્લા પોલીસ દ્વારા ખંભાળિયા દ્વારકા માર્ગ પર અવિરત રીતે પેટ્રોલિંગ તેમજ આ અંગેનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવાયજ્ઞ માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળ એલ.સી.બી. સ્ટાફ તેમજ પોલીસ કર્મચારી ઉપરાંત એસ.આર.ડી. અને જી.આર.ડી.ના જવાનોની જહેમત કાબિલે દાદ બની રહી હતી.
દ્વારકા પોલીસની અનેરી સેવા
પદયાત્રીઓ માટે પગરખા તેમજ બાળકો માટે ઘોડિયા અને રમકડાંની સુવિધા વાઈબ્રેટર મશીન વડે પદયાત્રીઓને આપવામાં આવી રાહત