જામનગર સહિત દેશભરમાં કરોડો લોકો એવા છે જેઓ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલના પ્રસારણ સમયે બધા કામ પડતાં મૂકી ટીવી સામે ગોઠવાઇ જતાં હોય છે. આ બન્ને શો કરોડો લોકો માટે મોટું આકર્ષણ છે. ગુનાખોરીની દુનિયા અને આ દુનિયામાં આવતાં અવનવા વળાંકો તેમજ સનસનાટી દર્શકોને આકર્ષતી હોય છે.
આ પ્રકારના શોમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ સ્ક્રિપ્ટ મુજબ દર્શકોને જૂદી જૂદી રીતે સાવધાન કરતાં હોય છે. પરંતુ જાણવા જેવી એક હકિકત એ છે કે, સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલની બે હિરોઇનને પોલીસે ચોરીના આરોપમાં ઝડપી લીધી છે.
મુંબઇમાં આ બન્ને અભિનેત્રીઓની ધરપકડ શુક્રવારે બપોરે કરવામાં આવી છે. પોલીસ કહે છે: આ બન્ને હિરોઇન નાણાંભીડ અનુભવી રહી હતી. આ અભિનેત્રીઓ મુંબઇની આરે કોલોનીમાં પેઇંગ ગેસ્ટ તરીકે પોતાના મિત્રના મકાનમાં રહે છે. આ અભિનેત્રીઓએ આ કોલોનીમાંથી રૂા.3.28 લાખની ચોરી કરી છે. એક અભિનેત્રી 25 વર્ષની છે જેનું નામ સુરભિ સુરેન્દ્રલાલ શ્રીવાસ્તવ છે. બીજી અભિનેત્રી 19 વર્ષની છે જેનું નામ મોહસિના મુખ્તાર શેખ છે. પોલીસે સીસીટીવીની મદદથી આ બન્ને અભિનેત્રીઓની ધરપકડ કરી છે. પુછપરછ દરમ્યાન આ બન્ને પોલીસ સમક્ષ ભાંગી પડી હતી. પોતાના ગુનાની કબુલાત કરી લીધી છે.