દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ચોમાસાની ઋતુ તથા જોખમોને આધીન જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા માછીમારી કરવા સામે પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં છે. તેમ છતાં પણ અવાર-નવાર અનેક શખ્સો આ જાહેરનામાનો ભંગ કરી અને જોખમી રીતે દરિયામાં માછીમારી કરવા માટે જાય છે.
આ સામે ઓખા તથા સલાયા બંદર ખાતે સ્થાનિક પોલીસે કડક હાથે કાર્યવાહી કરી, કુલ છ શખ્સોને ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામના દરિયાકાંઠેથી મંજૂરી વગર માછીમારી કરવા સબબ આમિન સીદ્દિક ભાયા (ઉ.વ. 44), ફારૂક ઉંમર ભટ્ટી (ઉ.વ. 40) અને અકબર કાસમ મોડા (ઉ.વ. 36) નામના ત્રણ શખ્સો સામે જ્યારે ઓખા મરીન પોલીસે દામજી જેટી પાસેથી ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા સબબ ગની તાલબ સંઘાર (ઉ.વ. 37), રજાક હુસેન (ઉ.વ. 40) અને જુસબ હાજી ગજણ (ઉ.વ. 50) નામના શખ્સોને ઝડપી લઇ, આ તમામ સામે જાહેરનામા ભંગની કલમ 188 તથા ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા તથા સ્ટાફ અને ઓખામાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા અને ઓખાના પી.એસ.આઈ. દેવ વાંઝા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.