દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસની બીજી લહેરના મનાતા અંતિમ દિવસોમાં કોરોનાના નવા પોઝિટિવ કેસ પણ નોંધપાત્ર સંખ્યામાં સામે આવે છે. આથી જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડી.વાય.એસ.પી. સમીર સારડાની સુચના મુજબ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ અંગે જાહેરનામાનો ભંગ કરતા બેજવાબદાર તત્ત્વો સામે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે જાહેરનામા ભંગ સબબ 36 શખ્સો સામે કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી પણ પોલીસ દ્વારા કોરોના અંગેની બેદરકારી દાખવતા તત્વો સામે ઝુંબેશ યથાવત જારી રાખી, જિલ્લા પોલીસ દ્વારા જુદા-જુદા પોલીસ મથકમાં ગઈકાલે મંગળવારે કુલ 68 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 19 શખ્સો સામે, જ્યારે ખંભાળિયા પોલીસમાં 8, ભાણવડમાં 11, ઓખામાં 9, દ્વારકામાં 4, વાડીનારમાં 6, મીઠાપુરમાં 8, સલાયામાં 3 આસામીઓ સામે કલમ 188 વિગેરે મુજબ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોરોના વાયરસના ભયંકર રોગને અવગણી, બેફામ બનેલા તત્વો સામે પોલીસની સધન ઝુંબેશ હજુ પણ અવિરત રીતે ચાલુ રહે તેમ પ્રબુદ્ધ નાગરિકોએ ઈચ્છી રહ્યા છે.