ખેડૂતો દ્રારા આવતીકાલે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ચક્કાજામ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે આ મુદ્દે નિવેદન આપ્યું છે કે આવતીકાલે દેશભરમાં બે રાજ્યો જેમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને બાદ કરતા ચક્કાજામ કરવામાં આવશે. દેશભરમાં બપોરે 12 થી 3 કલાક સુધી ચક્કાજામ કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા પ્રમાણે દેશમાં આ ચક્કાજામનો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. સાથે જ ત્રણ વાગ્યે એક મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતોની એકતાનો સંદેશ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આવતીકાલે બે રાજ્યો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને બાદ કરતા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખેડૂતો ચક્કાજામ કરશે. જેમાં લોકો પોતપોતાના વિસ્તારમાં ભેગા થશે. અને રસ્તા પર બેસીને વિરોધ નોંધાવશે. અને બાદમાં પ્રદર્શનકારીઓ જે તે સ્થાનિક અધિકારીને આવેદનપત્ર સોંપશે. ચક્કાજામ દરમિયાન ઠેર ઠેર જગ્યાએ ખેડૂતો લોકોને ચણા, પાણી, ફળ, મગફળી અને જમવાની વસ્તુઓ પણ પૂરી પાડશે. ચક્કા જામ દરમિયાન ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ, શાળા અને સ્કૂલ બસ જેવા વાહનોને રોકવામાં આવશે નહીં. હરિયાણા પોલીસ દ્વારા આ ચક્કા જામ પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. દિલ્હી-NCRમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળો(CRPF)ની 31 કંપનીઓને તહેનાતી 2 સપ્તાહ માટે વધારી દેવાઈ છે. દિલ્હીમાં તહેનાત CRPFના તમામ યુનિટ્સને કહેવામાં આવ્યું છે કે તે પોતાની બસો પર લોખંડની જાળી લગાવી લે. આંદોલનને મજબૂત કરવાની કડીમાં આજથી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂત પંચાયતોની સિરીઝ શરૂ કરાશે, જે ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે.