કાલાવડની માનસિક બિમાર, શારીરિક અસક્ષમ અને હાલી-ચાલી ન શકતી મહિલા ઉપર દુષ્કૃત્ય બદલ પોક્સો કોર્ટએ આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 15 હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત મુજબ વર્ષ 2023ની સાલમાં કાલાવડ ગામમાં રહેતા પરિવારની માનસિક, શારિરીક, અસક્ષમ તથા હાલીચાલી ન શકતી મહીલા ઉપર કાલાવડ ગામના જ આરોપી રાજેશ વલ્લભ રાઠોડે મધરાત્રે આ મહીલાના ઘરની વંડી ટપીને ઘરમાં ગેરકાયદેસર ઘુસી મહીલા ઉપર દુષ્કૃત્ય કર્યું હતું.
આ બાબતની ફરીયાદ મહીલાના પિતાએ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ કાલાવડ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરી જામનગરની સ્પે. પોકસો અને અદાલતમાં રજુ કર્યું હતું.
ત્યારબાદ આ કેસ ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ તથા સરકારી વકીલની દલીલો સાંભળીને આ કામના આરોપીને આઈ.પી.સી. ક. 376 (2) (એલ) નીચે 10 વર્ષની સખત કેદ તથા રૂા. 15,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની જેલ સજા અને આઈ.પી.સી. ક. 450 નીચે પાંચ વર્ષની સખત કેદ તેમજ રૂા. 5,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની જેલ સજાનો હુકમ જામનગરના સ્પે. પોકસો તથા રેપની અદાલતના જસ્ટીસ આર. પી. મોગેરાએ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે જામનગરના સિનીયર સરકારી વકીલ મુકેશ પી. જાની રોકાયેલા હતા.


