ભાણવડ પંથકમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારવા સબબ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે આરોપીને 10 વર્ષની સખ્ત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા પિયુષ મનોજભાઈ ચુડાસમા નામના 21 વર્ષના શખ્સ દ્વારા આજથી આશરે ચારેક માસ પૂર્વે એક આસામીની સગીર વયની પુત્રીને લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક પ્રસંગમાં મળ્યા બાદ તેણી સાથે મિત્રતા કેળવી અને બદદાનતથી લલચાવી ફોસલાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેણીને લગ્ન કરવાની લાલચ આપીને મોટરસાયકલ પર અપહરણ કરી ગયા બાદ તેના સંબંધીના ઘરે સડોદરા ગામે લઈ ગયો હતો. જ્યાં ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં તેની સગીરતાનો લાભ લઈ અને પ્રેમજાળમાં ફસાવી એકથી વધુ વખત શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યાર બાદ આ સગીરા સડોદરા ગામેથી મળી આવતા આ પ્રકરણ સંદર્ભે ભાણવડ પોલીસ મથકમાં દુષ્કર્મ એક્ટની કલમ તેમજ પોકસો એક્ટરની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવના તપાસની અધિકારી પી.આઈ. તુષાર પટેલ દ્વારા ભોગ બનનારની મેડિકલ તપાસણી તેમજ આ અંગેના વિવિધ પુરાવાઓ એકત્ર કરી, ખંભાળિયાની નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર્જ સીટ રજૂ કરવામાં આવ્યું હતું આ પછી આ કેસ એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા ભોગ બનનાર તેમજ ફરિયાદી અને મેડિકલ ઓફિસરની જુબાની વિગેરે સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.જી. મનસૂરી દ્વારા આરોપી પિયુષ મનોજભાઈ ચુડાસમાને તકસીરવાન ઠેરવી, અને જુદી જુદી કલમ હેઠળ કુલ 10 વર્ષની કેદની સજા તેમજ રૂ. 17,500 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ પ્રકરણમાં ભોગ બનનાર સગીરાના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.