જામનગરની કોવિડ હોસ્પિટલમાં 60 થી વધુ એટેન્ડન્ટ યુવતીઓ સાથે જાતિય સતામણી કરાયાના આક્ષેપ બાદ આ પ્રકરણના પડઘાં ગાંધીનગર સુધી પડયા હતાં. જેમાં રાજ્યના ગૃહમંત્રીના આદેશ બાદ કલેકટર દ્વારા ત્રણ સભ્યોની સમિતિ બનાવી ભોગ બનનારના નિવેદનો લેવામાં આવ્યા હતાં અને આ રિપોર્ટ કલેકટરને સોંપાયા બાદ આ મામલે પોલીસે વિધિવત બે શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી બન્નેની અટકાયત કરી કોવિડ પરીક્ષણ કરાવી આજે અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી એટેન્ડન્ટ યુવતીઓ સાથે જાતિય સતામણી કર્યાના આક્ષેપ બાદ આ પ્રકરણના પડઘાં ગાંધીનગર સુધી પડયાં હતાં અને આ મામલે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા ત્રણ સભ્યોની સમિતિ બનાવી તપાસના આદેશ કરાયા બાદ કલેકટર રવિ શંકર દ્વારા ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, એએસપી નિતેશ પાંડયે અને ડીન નંદીનીબેન દેસાઈ દ્વારા જાતીય સતામણીનો ભોગ બનનાર એટેન્ડન્ટના નિવેદનો વિડિયો રેકોર્ડિંગ સાથે લેવામાં આવ્યા હતાં. આ નિવેદનનો પીડિતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ ચકચારી પ્રકરણમાં અનેક મહિલા સંગઠનોએ પીડિતોને સપોર્ટ કરી તાત્કાલીક એલ બી પ્રજાપતિ સહિતનાઓ સામે ગુન્હો નોંધવા માંગણી કરી હતી.
તેમ છતાં તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈપણ કારણસર પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ થઈ રહ્યો હતો. આ ચકચારી પ્રકરણમાં ભોગ બનનાર એટેન્ડન્ટ યુવતીઓના સપોર્ટમાં જામનગર મહિલા ન્યાય મંચના પ્રણેતા શેતલબેન શેઠ અને સહ પ્રણેતા એડવોકેટ કોમલબેન ભટ્ટ સહિતના સભ્યો દ્વારા ભોગ બનનાર પીડિતાઓને તાત્કાલિક ન્યાય મળે તે માટે આવેદનપત્રો અને ધરણાં પણ યોજવામાં આવ્યાં હતાં અને પોલીસ ફરિયાદ નહીં નોંધાય તો આખરે અદાલતના શરણે જવું પડશે તેવી પણ ચિમકી આપવામાં આવી હતી.
દરમિયાન તપાસ સમિતિ દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ કલેકટરને સોપાયો હતો.બાદમાં આ ચકચારી પ્રકરણમાં મંગળવારે સાંજે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા એલ બી પ્રજાપતિ અને અકબર અલી નામના બે શખ્સો વિરુધ્ધ આઈપીસી કલમ 354, 354(એ), 354 (બી), 509 અને 114 મુજબ ગુન્હો નોંધી બંને શખ્સોની અટકાયત કરી બંનેના કોવિડ પરિક્ષણની કાર્યવાહી કરવામાં આવી હતી. કોવિડ પરીક્ષણનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી આ બન્ને શખ્સોના રિમાન્ડ મેળવવા માટે અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં વધુ શખ્સોની સંડોવણી ખુલે તેવી શક્યતા છે.