જામનગર પોલીસે છેલ્લાં 20 વર્ષથી ડબલ મડર કેસમાં સંડોવાયેલ આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ડબલ મર્ડર વિથ ફાયર આર્મ્સ બાબતે ગુનો નોંધાયો હતો. તે ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા બે દાયકાથી ફરાર હતો. આ ગુનો વર્ષ 2006માં બન્યો હતો અને ત્યારથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર રહ્યો હતો. તે આરોપીને પકડવામાં જામનગર પોલીસને 20 વર્ષ બાદ સફળતા મળી છે.
ગુનામાં આરોપી જીતેન ઉર્ફે જીતેન્દ્ર રમેશ ગુપ્તા (રહેવાસી અજીતમલ, જીલ્લો ઓરયા, રાજ્ય ઉત્તર પ્રદેશ) જે ગુનો બન્યો ત્યારથી એટલે કે છેલ્લા 20 વર્ષથી પોલીસની પકડથી બહાર હતો. લાંબા સમયથી ફરાર હોવા છતાં જામનગર પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હતા.
View this post on Instagram
આરોપીની ધરપકડ માટે આઈ.જી. અશોકકુમાર યાદવના હુકમ અન્વયે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. આ SIT ટીમને ડીવાયએસપી સિટી જે. એન. ઝાલા દ્વારા જરૂરી માર્ગદર્શન અને દેખરેખ આપવામાં આવી હતી. કેસની મુખ્ય તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર, સિટી બી ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી અને સિટી બી ડિવિઝનનો સ્ટાફ તપાસમાં સક્રિય રીતે જોડાયો હતો.
તપાસ દરમિયાન આરોપીની બાતમી મળતા આરોપીને ઝડપી લેવા માટે એક ખાસ ટીમને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. મોઢવાડીયા, હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ તથા સાજિદભાઈ બેલીમનો સમાવેશ થતો હતો. ઉક્ત ટીમે સઘન કાર્યવાહી હાથ ધરી આરોપી જીતેન ગુપ્તાને અજીતમલ ગામ, જીલ્લો ઓરયા, રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી સફળતાપૂર્વક ઝડપી લીધો છે.
જામનગર પોલીસ દ્વારા વર્ષો જૂના ગંભીર ગુનામાં ફરાર આરોપીને પકડી પાડીને કાયદાની પકડમાં લાવવાની આ કાર્યવાહી પ્રશંસનીય છે, જેનાથી ગુનાહિત તત્વોમાં કડક સંદેશો પહોંચ્યો છે કે કાયદાથી લાંબા સમય સુધી બચી શકાય તેમ નથી.


