સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ધાનપુર તાલુકાના આરોપીને અદાલત દ્વારા 10 વર્ષની સજા અને રૂા.17,000નો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગત મુજબ મુળ ભાણપુર, ધાનપુર તાલુકાના (દાહોદ જિલ્લો)ના મજુર પરિવાર વર્ષ 2022માં લાલપુર તાલુકાના પીપરટોડા ગામે ખેત મજુરી કરતા હતાં આ દરમિયાન પરિવારના ફરિયાદી તથા તેના પત્ની તેના મુળ વતન ગયા હતાં. પરિવારની ભોગ બનનાર સગીરાને આરોપી કનુ ભવાન બારીયા (ધાનપુર તાલુકો) ફરિયાદીની બાજુની જમીન વાવતો અને મજુરી કામ કરતો હતો. આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો. જે અંગેની ફરિયાદ ભોગ બનનારના પિતાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ફરિયાદના આધારે લાલપુર પોલીસે આરોપી તથા સગીરાને જામનગર સમાણા હાઇવે પરથી ઝડપી લઇ આરોપી કનુ ભવાન બારીયાની અટકાયત કરી હતી. અને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી તથા ભોગ બનનાર સગીરાની મેડીકલ તપાસ કરાવી હતી. આ કેસ જામનગરની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલ સાંભળી સ્પે. પોકસો કોર્ટએ આરોપી કનુ ભવાન બારીયાને તકસીરવાન ઠેરવી આઇપીસી કલમ 366ના ગુના સબબ 7 વર્ષની સખત કેદની સજા તથા રૂા.7000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 4 માસની સખત કેદની સજા. આઇપીસી કલમ 376-32 (એન)ના ગુના સબબ 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા.10000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજાનો સ્પે. પોકસો કોર્ટના ન્યાયધીશ આર.પી. મોગેરાએ હુકમ કર્યો છે.


