નેશનલ સિક્યુરીટીઝ ડિપોઝિટરી લિમિટેડ દ્વારા 3 વિદેશી ફંડના એકાઉન્ટ ફ્રિજ કરવામાં આવ્યા છે. આ 3 ફંડે અદાણી ગ્રુપની અલગ અલગ કંપનીઓમાં રૂા.43,500 કરોડનું અત્યારસુધીમાં રોકાણ કરેલું છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે સવારમાં આ સમાચાર પ્રસારિત થતાં અદાણી ગ્રુપના શેરોમાં આજે મોટા ગાબડાં જોવા મળ્યા છે. આ શેરોમાં પ થી માંડીને 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.
NSDL એ અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડના કુલ 3 એકાઉન્ટ ફ્રિજ કર્યા છે. વેબસાઇટ જણાવે છે કે, આ એકાઉન્ટ 31 મે અથવા તેની પહેલા ફ્રિજ થઇ ગયા હતા.
આ સમાચારના કારણે અદાણી જૂથના શેરો ડાઉન થયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 15 ટકા તુટીને રૂા.1361.25ના સ્તરે પહોંચ્યો હતો. અદાણી પોર્ટસ અને ઇકોનોમિક ઝોનનો શેર 14 ટકા, અદાણી પાવરનો શેર 5 ટકા તથા અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસના શેરો પણ 5-5 ટકા તુટ્યા હતા.
જો કે હજુ સુધી અદાણી ગ્રુપ તરફથી આ મુદ્દે કોઇ સતાવાર નિવેદન જાહેર થયું નથી. ફ્રિજ થયેલા આ 3 ફંડ મોરેસિયશથી ઓપરેટ થાય છે. સેબીમાં આ 3 ફંડ એફપીઆઇ તરીકે નોંધાયેલા છે. આ 3 ફંડ દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા રોકાણ કરવામાં આવ્યું છે.
આ ફંડોની માલિકીના સંદર્ભમાં યોગ્ય જાણકારી આપવામાં આવી ન હતી. તે કારણથી આ 3 ફંડ ફ્રિજ કરવામાં આવ્યા છે. હાલમાં આ 3 ફંડ પોતાના શેર વેચી શકશે નહીં અને નવા શેર ખરીદી શકશે નહીં. એનએસડીએલ એ જણાવ્યું છે કે, પીએમએલ એ હેઠળ આ ફંડની માલિકી અંગે યોગ્ય જાણકારી આપવામાં આવી ન હતી. આ અગાઉ આ ફંડોને આ મુદ્દે નોટીસ પણ આપવામાં આવી હતી. જો કે, નોટીસનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. જેને કારણે એનએસડીએલ દ્વારા આ કઠોર પગલું ભરવામાં આવ્યું છે.