જામનગરના બેડી વિસ્તારમાં રહેતો યુવાન તેની પેસેન્જર રીક્ષામાં ડીકેવી સર્કલ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન સામેથી પૂરપાટ આવી રહેલા એકટીવાએ રીક્ષાના પંખામાં અથડાતા રીક્ષા પલ્ટી ખાઈ જતાં ત્રણ મહિલાઓને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતો ઈકબાલભાઈ જુનસ ખોડ નામનો યુવાન ગત તા. 29 નવેમ્બરના સવારના સમયે તેની રીક્ષા લઇ ડીકેવી સર્કલ પાસેથી પેસેન્જર સાથે પસાર થતો હતો તે દરમિયાન સવારના સમયે પુરપાટ આવી રહેલા જીજે-10-ડીએમ-6276 નંબરના એકટીવાચાલકે રીક્ષાના આગળના ભાગના પંખામાં ધડાકાભેર અથડાતા રીક્ષા પલ્ટી ખાઈ ગઇ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેસેલા ચાલકના માતા સખીનાબેનને પગમાં તથા મરીયમબેનને હાથમાં અને જીનતબેનને પગમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણના આધારે હેકો વાય.એમ. વાળા તથા સ્ટાફે એકટીવાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.