રાજ્યની તમામ સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદને લીધે રાજ્યભરમાં 14 જુનથી નર્સિંગ સ્ટાફની હડતાળ યોજાવાની હતી. પરંતુ આજે રોજ નર્સિંગ સ્ટાફ અને સરકાર વચ્ચે સમાધાન થયું છે. અને પાંચ માંથી બે માંગણીઓનો સ્વીકાર કરાયો છે.
આ અંગે યુનાઈટેડ નર્સિંગ ફોરમના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સરકાર સમક્ષ પાંચ માંગણીઓ મુકવામાં આવી હતી જે પૈકી બે માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જે માંગણી સ્વીકારવામાં આવી છે તેમાં ગ્રેડ-પેમાં વધારો અને સ્ટાફનર્સની ભરતીની છે. તા.1 જૂલાઈથી સરકાર દ્વારા નર્સિંગ સ્ટાફને 1300ની જગ્યાએ 3000 રૂપિયા ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત 1008 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવનાર હતી તેમાં વધારો કરવાની માંગણીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે અને હવે સરકાર દ્વારા 1008ની જગ્યાએ 2019 સ્ટાફનર્સની તાકિદે ભરતી કરવામાં આવશે.ત્રણ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી. જો કે સરકારે બે માંગણીઓ સ્વીકારી લેતાં નર્સિંગ સ્ટાફ દ્વારા 14મી જૂને આપવામાં આવેલી હડતાલનું એલાન પાછું ખેંચી લેવામાં આવ્યુંછે.