જામનગર સીટી સી ડીવીઝનના ચોરીના કેસમાં છેલ્લાં ત્રણ વર્ષથી નાસતા ફરતા મદારી ગેંગના મુખ્ય સૂત્રધારને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડ મોરબી પાસેના માટેલ રોડ ઉપરથી દબોચ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ત્રણ વર્ષ પૂર્વે જામનગર ગોકુલનગર સાંઢીયા પુલ નીચે સાધુના વેશમાં આવેલ શખ્સોએ ફરિયાદી એકટીવા ચાલકને રોકી આશિર્વાદ લેવાનું કહી ફરિયાદીના ગળામાં પહેરેલ રૂા.1,47,000 ની કિંમતનો સોનાનો ચેઈન કાઢી નાશી ગયા હતાં. આ કેસમાં સંડોવાયેલી મદારી ગેંગનો મુખ્ય સૂત્રધાર કેશરનાથ ઉર્ફે કેશવનાથ સમજુનાથ ભાટી નામનો શખ્સ છેલ્લાં ત્રણ વર્ષથી ફરાર હોય આ દરમિયાન હાલમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર હોવાની જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર, કાસમભાઈ બ્લોચને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ એલ.જે. મીયાત્રા તથા સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન કેશરનાથ ઉર્ફે કેશવનાથ સમજુનાથ ભાટી નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે જામનગર સીટી સી પોલીસને સોંપી આપ્યો હતો.