જામનગર મહાનગરપાલિકાના બોર્ડની મુદ્ત પૂર્ણ થતાં વહીવટદારનું શાસન લાગૂ થયું છે. જામનગર મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં પાંચમી વખત વહીવટદાર શાસન લાગૂ કરવામાં આવ્યું છે. વર્ષ 1984માં સૌપ્રથમ વખત વહીવટદાર નિમાયા હતા અને હાલ 2026માં પાંચમી વખત વહીવટદારની નિમણૂંક થઇ છે.

જામનગર મહાનગરપાલિકાની અંતિમ ચૂંટણી વર્ષ 2021માં યોજાઇ હતી. જેની પાંચ વર્ષની ટર્મ તા. 09 માર્ચના રોજ પૂર્ણ થઇ હતી. રાજ્યમાં કેન્દ્રિીય ચૂંટણીપંચ દ્વારા ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેના કારણે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિલંબ થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણી મોડી થવાની હોય, રાજ્ય સરકાર દ્વારા જામનગર સહિત 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરના સ્થાનિક સ્વરાજ્યનું મહત્ત્વપૂર્ણ અંગ છે. જે શહેરીજનોની જરૂરિયાતો અને સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે. મહાનગરપાલિકાનું શાસન સામાન્ય રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવે છે અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના હિતમાં નિર્ણયો લેતાં હોય છે. પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં વહીવટદાર શાસન લાગૂ કરવામાં આવે છે.
મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાને સમય હોય અને ચૂંટાયેલા સભ્યોેની મુદ્દત પૂર્ણ થઇ જાય ત્યારે રાજ્ય સરકાર એક અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂંક કરી છે. મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખનો કાર્યકાળ પૂર્ણ થઇ જાય અને નવી ચૂંટણી સમયસર યોજાઇ શકે તેવી પરિસ્થિતિ ન હોય અથવા કોઇ કુદરતી આપત્તિ કે વિશેષ પરિસ્થિતિના કારણે ચૂંટણી મુલત્વી રાખવામાં આવે ત્યારે વહીવટદાર શાસન લાગૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે વહીવટદાર તરીકે આઇએસ અધિકારીને નિમવામાં આવે છે. આ અધિકારી મહાનગરપાલિકાના તમામ વિભાગો ઉપર નિયંત્રણ રાખે છે અને શહેરના વહીવટને સુચારૂં રીતે ચલાવે છે. આ વહીવટદાર જાહેર હિતના નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. વહીવટદાર શાસન હોદ્ેદારોની ટર્મ પૂર્ણ થયે શહેરના કામકાજને અટકવા દેતા નથી.
જામનગર મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં આ પાંચમી વખત વહિવટદાર નિયુક્ત થયાં છે. સૌપ્રથમ વાર તા. 01-07-1984 થી તા. 04-06-1985 સુધી આર. એલ. મીના વહિવટદાર તરીકે નિમણૂંક કરાયા હતા. ત્યારબાદ અંદાજિત 15 વર્ષ બાદ વર્ષ 2000માં ફરી એકવખત વહિવટદાર શાસન આવ્યું હતું. તા. 01-07-2000 થી તા. 16-10-2000 સુધી વહિવટદાર તરીકે એસ. કે. નંદાની નિમણૂંક કરવામાં આવી હતી. ત્રીજી વખત વર્ષ 2005માં વહિવટદાર શાસન લાગૂ થયું હતું. જેમાં તા. 16-10-2005 થી તા. 25-12-2005 દરમ્યાન ગિરીશચંદ્ર મુર્મુની નિયુક્તિ વહિવટદાર તરીકે કરવામાં આવી હતી. વર્ષ 2020માં કોરોનાકાળને કારણે ચૂંટણીઓ સમયસર થઇ શકી ન હતી. જેથી જામનગર મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન લાગૂ થયું હતું. તા. 14-12-2020 થી તા. 12-03-2021 સુધી વહિવટદાર તરીકે સતિષભાઇ પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
આમ, ચાર વખત વહિવટદાર શાસન લાગૂ થયા બાદ વર્ષ 2026માં ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમને કારણે ચૂંટણી મોડી થતાં આરતી કંવર જામનગર મહાનગરપાલિકાના પાંચમા વહિવટદાર બન્યા છે. તા. 13-03-2026 થી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ વહિવટદાર તરીકે ફરજ બજાવશે.


