જામનગર જિલ્લાના મોટી ખાવડી પાસે આવેલી એલ એન્ડ ટો હોટલ નજીક પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રકમાં નિંદ્રાધિન ચાલકનું બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતાં યુવાનનું છાતીમાં દુ:ખાવો ઉપડતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ પંજાબના અમૃતસર જિલ્લાના બાબા બકાલા તાલુકાના અટવાલ ગામનો વતની સુખવીંદરસિંઘ સુરતાસિંઘ શીખ (ઉ.વ.40) નામનો ટ્રક ડ્રાઈવિંગ કરતો યુવાન ગત તા.6 ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં જમીને તેના જીજે-06-એવી-5051 નંબરના ટ્રક ટેન્કરમાં સૂઈ ગયો હતો. ત્યારબાદ સવારે યુવાનને અન્ય ડ્રાઈવરે ઉઠાડતા નહીં ઉઠતા બેશુદ્ધ હાલતમાં જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે બલજીત ઉર્ફે બીટુ દ્વારા જાણ કરાતા હેકો આઈ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતાં કેશુભાઈ મુળુભાઈ મકવાણા (ઉ.વ.45) નામના યુવાનને ગત તા.31 ના રોજ બપોરના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મંગળવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભરતભાઈ મકવાણા દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.