જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતાં અને એકાઉન્ટન્ટ તરીકે ખાનગી પેઢીમાં નોકરી કરતા યુવક સાથે ટ્રેડ કરન્સીમાં રોકાણના બહાને રૂ.30 લાખ જેટલી માતબર રકમની છેતરપિંડીમાં બેન્ક કર્મચારી સહિત બે શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી જૂમ્મા મસ્જિદ રોડ પર આઝાદ ચોકમાં રહેતાં અને ખાનગી ગેસ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા નાઝીરહુશેન નવાઝમીયા બુખારી (ઉ.વ.21) નામના યુવકે જામનગરના પટેલ કોલોનીમાં રહેતાં અને નવાનગર કો-ઓપરેટીવ બેંકમાં ફરજ બજાવતા દિનેશભાઈ કિશોરચંદ્ર પાટલિયા નામના શખ્સે નાઝીરહુશેનને કરન્સી ટ્રેડમાં નાણાં રોકવા માટે વિશ્વાસ લીધો હતો અને ત્યારબાદ નાઝીરે દિનેશભાઈને કટકે કટકે સમયાંતરે 18 લાખ રોકડા આપ્યા હતાં અને આ રકમ પેટે દિનેશે નાઝીરને માત્ર 1,60,000 પરત આપ્યા હતાં અને બાકીના રહેતા રૂા.16,40,000 ની માતબર રકમ પરત આપી ન હતી. ઉપરાંત દિનેશ દ્વારા તેના પિતરાઇ કલ્પેશ કિશોરભાઈ મહેતા પાસે કરન્સી ટે્રડમાં નાણાં રોકવા માટે રૂા.27,95,500 આપ્યા હતાં.
આ રકમ પેટે કલ્પેશે નાઝીરને રૂા.13,18,500 ની રકમ પરત આપી હતી. અને બાકી રહેતા રૂા.14,77,000 ની રકમ પરત કરી ન હતી. આમ બંને પિતરાઇને નાઝીરે આપેલી 31,17,000 ની રકમ પરત કરી ન હતી. આ બંને પિતરાઈઓ પાસે બાકી રહેલી 31,17,000 રકમની અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આ રકમ બંને પિતરાઈઓએ પરત આપી ન હતી. આખરે કંટાળેલા નાઝીરહુશેને પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરી હતી. જેના આધારે પીેએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે બંને શખ્સો વિરૂધ્ધ રૂા.31.17 લાખની છેતરપિંડી ફરિયાદ નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.