લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં ઉત્તરપ્રદેશના યુવક તેની પ્રેમિકા સાથે રહેતો હતો. દરમિયાન પ્રેમિકાને ગરબી જોવા જવાની ના પાડતા પ્રેમિકા એકલી ગરબી જોવા જતી રહેતા મનમાં લાગી આવતા પ્રેમીએ પંખામાં પટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતી મહિલાને બીમારી સબબ સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો અને ઉત્તરપ્રદેશમાં કાટ તાલુકામાં જહાગીરપુરનો વતની સચિનકુમાર શૌવીરસિંહ કુંડલી (ઉ.વ.23) નામનો યુવક ભાવસંગ કેરના મકાનમાં તેની પ્રેમિકા પ્રજ્ઞાબેન સુનિલ તુકારામ સાથે રહેતો હતો અને તે દરમિયાન પ્રજ્ઞાને ગરબી જોવા જતું હતું પરંતુ સચિને ગરબી જોવા જવાની ના પાડી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તેમ છતાં પ્રેમીકા પ્રજ્ઞા ગરબી જોવા ગઇ હતી. ના પાડી હોવા છતાં પ્રેમિકા એકલી ગરબી જોવા ગયાનું મનમાં લાગી આવતા પ્રેમી સચિનકુમારે રવિવારે રાત્રિના સમયે તેના ઘરે છતના પંખામાં પટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકની પ્રેમિકા દ્વારા કરવામાં આવતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના રણજીતસાગર શાકમાર્કેટ પાસે આવેલા પટેલ સમાજ નજીક રહેતા ગીતાબેન વલ્લભભાઈ બારેયા (ઉ.વ.37) નામના મહિલા બીમાર થવાથી તેણીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હિતેશગીરી ગોસાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.જે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.