જામનગર તાલુકાના વાગડિયા ગામમાં રહેતા યુવાને તેની ફેફસાંની બીમારીથી કંટાળીને તેના ખેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં પ્રૌઢનું નિંદ્રાંધિન હાલતમાં બેશુધ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના વાગડિયા ગામમાં રહેતો હારુનભાઈ હબીબભાઈ ઈસાણી (ઉ.વ.44) નામના યુવાનને થોડા સમયથી ફેફસાંની બીમારી થઈ હતી અને આ બીમારીથી કંટાળી જઈ ગત તા.27 ના રોજ બપોરના સમયે કરણા વાણિયા ગામના રોડ પર આવેલા ખેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન બુધવારે સાંજના સમયે મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના ભાઈ યુનુસ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં આવેલા પોલીસ હેડકવાર્ટરમાં રહેતા જયેન્દ્રસિંહ હનુભા ઝાલા (ઉ.વ.56) નામના પ્રૌઢ તેના ઘરે રાત્રિના સમયે નિંદ્રાધિન હતાં ત્યારે બેશુધ્ધ થઈ ગયા હતાં. બેશુદ્ધ હાલતમાં પ્રૌઢને સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર અમરદિપસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.