ખંભાળિયા તાલુકાના ટિંબડી ગામે રહેતા અને ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વનરાજસિંહ ગંભીરસિંહ જાડેજા નામના 40 વર્ષના યુવાનને તેમનું હાઈડ્રો મશીન નયારા કંપનીની અંદર ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ તેમના પરિચિત નરેન્દ્રસિંહ દ્વારા સામાપક્ષે સમાધાન કરવાનું કહી અને બોલાવ્યા બાદ આ સ્થળે બીએમડબલ્યુ કાર, કાળા કલરની ક્રેટા કાર તથા સફેદ કલરની સ્વીફ્ટ કારમાં લાકડાના ધોકા, પાઇપ તથા છરી જેવા હથિયારો સાથે ધસી આવેલા વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, વનરાજસિંહ સતાજી જાડેજા તથા દોલુભા ઉર્ફે ડી.પી. જાડેજા ઉપરાંત તેઓની સાથે આવેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ સાથે મળી અને “તું અહીં શું કામ આવ્યો છો?” કેમ કહી અને હથિયારો વડે તૂટી પડ્યા હતા.
આરોપી વિરેન્દ્રસિંહે તેની પાસે રહેલી છરી વડે હુમલો કરી, તેમને ઇજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, આરોપી શખ્સોએ ફરિયાદી વનરાજસિંહ જાડેજાને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બઘડાટીમાં ફરિયાદી વનરાજસિંહએ પહેરેલો આશરે દોઢ તોલા સોનાનો ચેન પણ તૂટીને ક્યાંક પડી ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણ અજાણ્યા મળી, તમામ સાત શખ્સો સામે આઈ.પી.સી. કલમ 143, 147, 148, 149, 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઇ. વી.બી. પીઠીયાએ હાથ ધરી છે.