લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતો યુવાન ધ્રોલ તાલુકાના ખેંગારકા નજીક આવેલા ચેકડેમમાં ન્હાવા પડતા સમયે ઉંડા પાણીમાં ડૂબી જતા બેશુદ્ધ હાલતમાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ માટે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતાં સુરેશભાઈ રાણાભાઈ પરમાર (ઉ.વ.35) નામનો યુવાન બુધવારે બપોરના સમયે ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામથી કાતડા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ચેકડેમમાં ન્હાવા પડયો હતો અને તે દરમિયાન પાણીમાં ડૂબી જતા બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ જગદીશ દ્વારા જાણ કરાતા હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં જુના રેલવે સ્ટેશન પાસે આવેલા દિગ્જામના શો-રૂમ નજીક આવેલા કુવામાં 50 વર્ષનો અજાણ્યો પુરૂષ પડી જતાં ડૂબીગયો હતો. આ અંગે હિતેશગીરી દ્વારા જાણ કરાતા જામનગર ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને કુવામાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને સોંપી આપ્યો હતો. બનાવની જાણના આધારે પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ આરંભી હતી.