જામનગરના ઠેબા ચોકડી તરફથી રાધિકા સ્કૂલ માર્ગ પર ત્રિપલ સવારી આવી રહેલા બાઈકચાલકે સ્ટ્રીયરીંગનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ જવાથી યુવકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના હનુમાન ટેકરી દલિતનગર શેરી નં.4 માં રહેતો મિતેશ દેવશીભાઈ વાઘેલા (ઉ.વ.22) નામનો યુવક તેના મિત્રના જીજે-10-ડીબી-4917 નંબરના બાઈક પર બેસીને ત્રણ મિત્રો જતા હતાં ત્યારે મંગળવારે બપોરના સમયે ત્રણ વાગ્યાના અરસામાં ઠેબા ચોકડીથી રાધિકા સ્કૂલ તરફના માર્ગ પર તુલીપ સોસાયટી સામે પહોંચ્યા ત્યારે બાઈકસવારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું અને ડીવાઈડર સાથે અથડાતા અકસ્માતમાં મિતેશ વાઘેલાને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ જેન્તીભાઈના નિવેદનના આધારે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.