ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામમાં રહેતો યુવાન નદી પાસે ભેંસો ચરાવતો હતો તે દરમિયાન પગ લપસી જતા નદીના પાણીમાં ગરક થઈ જતાં મોત નિપજ્યું હતું. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામનો યુવાન વાડામાં લાકડા દૂર કરવા જતાં ખુલ્લા વીજવાયરને અડી જતાં વીજશોકથી મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામે રહેતા વજશીભાઈ રામજીભાઈ ચાવડા ગઈકાલે સોમવારે કુવાડીયા ગામની નદી નજીક પોતાની ભેંસો લઈને પાણી પીવડાવવા ગયા હતા. ત્યારે અકસ્માતે તેમનો પગ લપસી જતા નદીના પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે રામદેભાઈ ચાવડા દ્વારા જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાજેશભાઈ અરજણભાઈ વાઘેલા નામના યુવાન તેમના ઘરની બાજુમાં આવેલા એક આસામીના પડતર વાડામાં પડેલા લાકડાને દૂર કરવા જતી વખતે અહીંથી પસાર થતાં જીવંત વીજ વાયરના ખુલ્લા છેડાને અડકી જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પિતા અરજણભાઈ દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.