જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો યુવાન ટ્રક ચાલક તેના બાઈક પર સચાણા ગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન વસઈ ગામની ગોલાઈ નજીક બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કામાં મેપાણીવાસની બાજુમાં રહેતાં અને ટ્રક ચલાવતા હસનભાઈ જુનુસભાઈ સંઘાર (ઉ.વ.33) નામનો યુવાન શુક્રવારે સવારના સમયે તેના ઘરેથી સચાણા ગામે બાઇક પર જતો હતો તે દરમિયાન વસઈ ગામની ગોલાઈ નજીક પહોંચ્યો ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અલી દ્વારા જાણ કરાતા હેકો સી ડી ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.