કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતાં અને મજુરી કામ કરતા કાકા-ભત્રીજા બાઈક પર ગામમાં દુધ લઇને પરત ઘરે આવતા તે દરમિયાન રસ્તામાં ખાડો તારવવા જતાં બાઈક સ્લીપ થવાથી કાકાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જામનગરના દિગ્વીજય પ્લોટમાં રહેતા નિવૃત્ત વૃધ્ધને આંગળીમાં લાકડાની ફાંસ વાગતા ધનૂર ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ કેશુભાઈ રાઠોડ (ઉ.વ.45) નામના યુવાન ગત તા.13 ના રોજ સાંજના સમયે તેના ભત્રીજા મેહુલ ભરતભાઈ રાઠોડ (ઉ.વ.21) સાથે તેની જીજે-10-બીએચ-1903 નંબરની બાઈક પર ગામમાં દૂધ લેવા ગયા હતાં અને ત્યાંથી પરત ઘરે આવતા ત્યારે ગામની સરકારી હાઈસ્કૂલ પાસે ખરાબ રસ્તો હોવાથી ખાડો તારવવા જતા બાઈક પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થવાથી કાકા- ભત્રીજા નીચે પટકાયા હતાં. જેમાં કાકા મહેશભાઈ રાઠોડ (ઉ.વ.45) નામના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં કાકા મહેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભત્રીજા મેહુલ દ્વારા જાણ કરાતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 64 વિસ્તારમાં રહેતાં નિવૃત્ત વિજયભાઈ વિરમભાઈ રોલા (ઉ.વ.61) નામના વૃધ્ધને ગત તા.25 ના રોજ ડાબા હાથમાં લાકડાની ફાંસ ઘુસી જતા ધનૂર ઉપડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું બુધવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર જતિનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.