મકર સંક્રાંતિના તહેવારની જામનગર સહિત રાજ્યમાં હર્ષોઉલ્લાસથી ઉજવણી અંતર્ગત અગાસી પતંગ ચગાવી આનંદ માણે છે. દરમિયાન શનિવારે જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં યુવક તેના ઘરના પગથિયા ઉતરતો હતો તે વખતે અકસ્માતે પડી જતાં ગંભીર ઈજા પહોંચતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતાં અને સુથારી કામ કરતા જેન્તીભાઈ પાણખાણિયા નામના પ્રૌઢનો પુત્ર ચિરાગ પાણખાણિયા (ઉ.વ.18) શનિવારે મકરસંક્રાંતિના સાંજના સમયે તેના ઘરના પગથિયા ઉતરતો હતો તે દરમિયાન અકસ્માતે પડી જતાં નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પિતા જેન્તીભાઈની જાણના હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.