Monday, March 16, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે કારને ઠોકરે ચઢેલા યુવાનનું મોત

ખંભાળિયા પાસે કારને ઠોકરે ચઢેલા યુવાનનું મોત

સોનારડીના મંદિર પાસે જીવલેણ અકસ્માત : સારવાર પહેલાં જિંદગી હારી ગઇ : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી : કારચાલક નાસી ગયો

ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના યુવાનને સોનારડી ગામના મંદિર પાસે અકસ્માત થતાં તેનું મોત નિપજયું હતું.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા વિજયભાઈ રાણાભાઈ ચૌહાણ નામના 49 વર્ષના યુવાન ગઈકાલે રવિવારે સવારના સમયે તેમના જી.જે. 37 ઈ. 3062 નંબરના મોટરસાયકલ પર બેસીને સોનારડી ગામે કામ અર્થે ગયા હતા. ત્યારે સોનારડી ગામના એક મંદિર પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 27 ટી.ટી. 8587 નંબરના એક ફોર વ્હિલરના ચાલકે વિજયભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે લોહી લોહાણ હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ માટે મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

અકસ્માત સર્જીને આરોપી ફોર વ્હિલર ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના નાનાભાઈ કરસનભાઈ રાણાભાઈ ચૌહાણએ જાણ કરતાં પીએસઆઇ વી. આર. વસાવા તેના સ્ટાફ સાથે હોસ્પિટલે પહોંચી ગયા હતાં. જ્યાં લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત સર્જી નાશી ગયેલા કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular