જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતાં યુવાને તેના સાળા અને સસરાના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતાં હરેશ બાબુભાઈ સરવૈયા નામના યુવાને મોબાઇલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન યુવાને આપઘાત કર્યા પહેલાં પોલીસ અધિક્ષકને સંબોધીને બનાવેલો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેની પત્ની બે વર્ષથી રીસામણે બેસી હતી અને સાસરા પક્ષના લોકો પત્નીને સાસરે મોકલતા ન હતાં. તેમજ ખોટી ખોટી અરજીઓ પોલીસમાં કરીને ત્રાસ આપતા હતાં.તેમજ યુવાનના સસરા દેવરાજભાઈ નાટડા નિવૃત્ત પોલીસકર્મી છે અને સાળા મયુરભાઈ નાટડા પોલીસમાં ફરજ બજાવતા હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું. યુવાને સાસુ-સસરા અને સાળાના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.