કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં આવેલા ખેતરમાં મગફળી કાઢવાનું કામ કરતાં સમયે આદિવાસી તરૂણીનું ચૂંદડી થે્રસરમાં આવી જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને મૂળ અલીરાજપુર જિલ્લાના વતની રામાભાઈ વાખણા નામના આદિવાસી યુવાનની પુત્રી બીજલબેન વાખણા (ઉ.વ.17) નામની તરૂણી મંગળવારે સાંજના સમયે નિલેશભાઈ પટેલના ખેતરમાં મગફળી કાઢવાનું કામ ચાલુ હતું તે દરમિયાન ખેતીકામ કરતી હતી ત્યારે તરૂણીના વાળ અને ચૂંદડી મગફળી કાઢવાના થે્રસરના પટ્ટામાં આવી જતાં શરીરે અને માથામાં તથા ગળામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તરૂણીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પુર્વે મંગળવારે રાત્રિના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા રામાભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.