કાલાવડ તાલુકાના મુરીલા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની તરૂણી પુત્રીને રસોઇ કરવા બાબતે માતાએ આપેલા ઠપકાનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વેડફળીયુના વતની અને કાલાવડ તાલુકાના મુરીલા ગામમાં આવેલી વિજયભાઈ દોંગાની વાડીમાં ખેતમજૂરી કામ કરતાં શંકરભાઈ ગનજીભાઈ ભુરિયા નામના યુવાનની પુત્રી સુમિતાબેન (ઉ.વ.15) નામની તરૂણીને તેણીને માતા બુદલીબેને રસોઇ કામ કરવા બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા સુમિતાએ ગત તા.12 ના રોજ સવારના સમયે તેના ખેતરમાં કુવા પાસે જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તરૂણીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તરૂણીનું તા.15 ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા શંકરભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.