દ્વારકાના ઓખા નજીક આર કે બંદર વિસ્તારમાં પૂરઝડપે બેફીકરાઇથી આવતી ખાનગી બસના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલા જકાતનાકા પાસેના માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 06 બી.ટી. 3599 નંબરની એક ખાનગી બસના ચાલકે આ માર્ગ પરથી જઈ રહેલા જી.જે. 15 એમ.એન. 478 નંબરના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં મોટરસાયકલ પર જઈ રહેલા મૂળ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના મૂળ રહીશ એવા ભાવેશભાઈ દલપતભાઈ માચ્છી નામના 39 વર્ષના યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર બનાવવા અંગે ઓખા મરીન પોલીસે અવિનાશભાઈ દલપતભાઈ માચ્છી (ઉ.વ. 43, રહે વલસાડ) ની ફરિયાદ પરથી ખાનગી બસના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337 338, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.