જામનગર તાલુકાના વરણા ગામ નજીક કારચાલકે બાઈકસવારને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામનગરમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તો બીજી તરફ જોડિયાના બાદનપર ગામે ભરવાડ યુવાને ઝાડ સાથે લટકીને જિંદગી ટૂંકાવી છે.
જામનગર તાલુકાના વરણા ગામ નજીક ગઈકાલે પોતાની બાઈક પર ધુતારપરથી પોતાના ગામ વંથલી જઈ રહેલા કરણાભાઈ કાનજીભાઈ ટોળિયા (ઉ.વ.35) ને સામેથી આવતી કાર નં.જીજે-03-એમએચ-4736 ના ચાલકે હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર કરણાભાઈને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત અંગે મૃતકના ભાઈ અમરાભાઈ ટોળિયાએ પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
બીજો બનાવ, જોડિયા તાલુકાના બાદનપર ગામે રહેતાં ભૂપતભાઈ દેવાભાઈ ટોયટા નામના 22 વર્ષના ભરવાડ યુવાને ગઈકાલે સાંજે કોઇ અગમ્ય કારણોસર પોતાના ગાયો રાખવાના વાડામાં બાવળન ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે તેમના મોટાભાઈ મેસુરભાઇ દેવાભાઈ ટોયટાએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો લઇ તપાસ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં જામનગરમાં યોગેશ્ર્વરધામ શેરી નં.5માં રહેતી જીજ્ઞાબેન કિરીટભાઈ કેસુર નામની 23 વર્ષની યુવતીએ ગઈસાંજે પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરવા પાછળનું કોઇ કારણ બહાર આવ્યું નથી. યુવતીના પિતા કિરીટભાઈએ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોટમ માટે મોકલી આપ્યો હતો જ્યારે આત્મહત્યા કરવા અંગેના કારણોની તપાસ હાથ ધરી છે.
જામનગરમાં શાકમાર્કેટ પાસે રહેતાં નિલેશભાઈ નાથાભાઈ કોળી (ઉ.વ.47) ને શ્ર્વાસની તકલીફ સર્જાતા તેમને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.