જામનગરના ખોડિયાર કોલોની પોલીસ ચોકીની બાજુમાં જ મકાનમાં દારૂનું વેંચાણ કરતી મહિલાને એલસીબીની ટીમે છ બોટલ દારૂ સાથે ઝડપી લીધી હતી. જામનગરના રણજીતનગર રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા સાત બોટલ દારૂ મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. જોડિયામાં તાલુકાના કુનડ ગામના પાટીયા પાસેથી પસાર થતા શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બે બોટલ મળી આવી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી પોલીસચોકીની બાજુમાં જ રહેતાં દંપતી દ્વારા તેના ઘરમાં દારૂનું વેંચાણ કરાતું હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાંથી તલાસી લેતા 2400 ની કિંમતની ઇંગ્લીશ દારૂની છ બોટલ મળી આવતા એલસીબીએ કાજલબેન મેહુલ કોટવાલ નામની મહિલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થાના વેંચાણમાં તેના પતિ મેહુલ દિનેશ કોટવાલની પણ સંડોવણી હોવાનું ખુલતા એલસીબીએ દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી પતિની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના રણજીતનગર રોડ પર પટેલસમાજ પાસેથી પસાર થતા સુરેશ ઉર્ફે સુરીયો ગંગારામ જોષી નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની સાત બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જોડિયા તાલુકાના કુન્નડ ગામના પાટીયા પાસેથી પસાર થતા રવિભારથી ઉર્ફે કાનો ભવાનભારથી ગોસાઈ નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલ અને રૂા. 1000 ની કિંમતના બીયરના પાંચ ટીન મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.