Friday, December 27, 2024
Homeરાજ્યહાલારકાંપ કાઢવા માટે રૂા. 1.10 લાખની લાંચ લેનાર મહિલા સરપંચ તથા પુત્ર...

કાંપ કાઢવા માટે રૂા. 1.10 લાખની લાંચ લેનાર મહિલા સરપંચ તથા પુત્ર ઝડપાયા

સિંહણ ડેમમાંથી કાંપ કાઢવાનું કામ કરતા નાગરિકને પરેશાની : 1.10 લાખની લાંચ માંગી : રાજકોટ એસીબી દ્વારા છટકુ ગોઠવાયું : મહિલા સરપંચ અને તેના પુત્રને રંગે હાથ ઝડપી લીધા

- Advertisement -

ખંભાળિયા તાલુકાના એક આસામી દ્વારા ડેમ વિસ્તારમાંથી માટી કાઢવા સબબ સ્થાનિક સરપંચ દ્વારા હેરાનગતિ ન થાય તે માટે લાંચ લેવાના પ્રકરણમાં મહિલા સરપંચ તથા તેમના પુત્રને રૂપિયા 1.10 લાખના મુદ્દામાલની રકમ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની એ.સી.બી. સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – જામનગર રોડ ઉપર આવેલા સિંહણ ડેમમાંથી માટી (કાંપ) કાઢવાનું કામ કરતા એક આસામી દ્વારા તેના આ કામ ધંધામાં હેરાનગતિ કરી અને નાગડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લાખીબેન મેરામણભાઈ ગુજરીયા દ્વારા રૂપિયા 1.10 લાખની રકમની માંગણી કરવામાં આવી હતી. આ રકમ ફરિયાદી આસામી આપવા માંગતો ન હોય, તેમના દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગને જાણ કરવામાં આવી હતી.

જેને અનુલક્ષીને રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ દેવભૂમિ દ્વારકા એ.સી.બી. પોલીસ મથકના પી.આઈ. પી.એ. દેકાવાડિયા તથા તેમની ટીમ દ્વારા ગતસાંજે લાંચ અંગેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા આરાધના ધામ રોડ ઉપર ફરિયાદી દ્વારા આરોપી લાખીબેન મેરામણભાઈ ગુજરીયા તથા તેમના પુત્ર ફૂલસુરભાઈ મેરામણભાઈ ગુજરીયાને રૂા. 1.10 લાખ રોકડા આપતા તુરંત જ એ.સી.બી. પોલીસ સ્ટાફ આ સ્થળે પહોંચી ગયો હતો અને લાંચની ટ્રેપમાં આ રકમ સ્વીકારતા બંનેને ઝડપી લીધા હતા. જે અંગે ધોરણસર ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

નાગડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તથા તેમના પુત્ર લાંચના છટકામાં ઝડપાઈ જતા સ્થાનિક ગ્રામજનો તેમજ આ વર્તુળોમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular