- Advertisement -
જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે થતી અવાર-નવારની બોલાચાલીનું મનમાં લાગી આવતા મહિલાએ તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં મજૂરી કરતા યુવાન લાકડાની સીડી પરથી ઉતરતા હતાં તે દરમિયાન પગથીયું તૂટી જવાથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતા ફાટક રોડ પર આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા પ્રજ્ઞાબા જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.36) નામના મહિલા અને અને તેમના પતિ જીતેન્દ્રસિંહ વચ્ચે અવાર-નવાર બોલાચાલી થતી હતી. દંપતી વચ્ચે થતી બોલાચાલીનું મનમાં લાગી આવતા પ્રજ્ઞાબાએ બુધવારે વહેલીસવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગે મૃતકના પતિ જીતેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો એમ.આર.ડાંગર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા સતુભા જાડેજા (ઉ.વ.47) નામના યુવાન ગુરૂવારે બપોરના સમયે તેના ઘરની છત પર લાકડાની સીડીથી નીચે ઉતરતા હતાં તે દરમિયાન અકસ્માતે લાકડાની સીડીનું પગથીયું તૂટી જતા નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા બેશુદ્ધ હાલતમાં જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તબીબોએ તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ હર્ષદસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી આરંભી હતી.
- Advertisement -