આખા વિશ્ર્વમાં ચીનમાંથી ઉત્પન્ન થયેલ કોરોના વાયરસ બે વર્ષ પહેલાં પ્રસર્યો હતો. જે હજૂ સુધી પણ નેસ્ત નાબુદ થયો નથી. ભારત સહિત દુનિયાના દેશોમાં હજૂ કોરોનાના કેસો આવી રહ્યાં છે. ત્યારે જામનગરમાં છેલ્લે નવેમ્બર માસમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ફરી એક વખત ગઇકાલે પાંચ માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. બાળકીના માતા-પિતાનો ટેસ્ટ નેગેટિવ આવતાં ડોકટરોમાં આશ્ર્ચર્ય ફેલાયું હતું. આ ઉપરાંત ધરારનગર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાના એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે જાણી મહિલા આરોગ્ય કેન્દ્રમાંથી ચાલી ગઇ હતી. જેની આરોગ્ય કેન્દ્ર દ્વારા તેના ઘરે પણ તપાસ કરાતાં તે મળી આવી ન હતી.
વિશ્ર્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે જામનગર શહેરમાં ફરી દેખા દીધી છે. શહેરમાં 94 દિવસ બાદ ફરી બે કેસ જોવા મળ્યા છે. ગઇકાલે જામનગર શહેરના બેડી આરોગ્ય કેન્દ્રમાં માત્ર પાંચ માસની બાળકીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમના માતા-પિતાના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં ડોકટરોએ આશ્ર્ચર્ય અનુભવ્યું હતું. બાળકીના સંપર્કમાં આવેલા પરિવારના અને આડોશ-પાડોશના અન્ય 17 લોકોના કોવિડ સેમ્પલ લેવાયા હતાં. દરમિયાન ધરારનગર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાના એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય સ્ટાફે તેને જાણ કરી હતી. પરંતુ મહિલા ચાલી જતાં તેની જાણ સ્ટાફ દ્વારા તેના સરનામા ઉપર તપાસ કરવામાં આવી હતી. પરંતુ મહિલા મળી આવી નથી.