રાજ્યના હવામાન વિભાગની 18 જૂનથી વરસાદની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ, રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેમાં જામનગર શહેર અને જિલ્લામાં શુક્રવારથી મેઘસવારી આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જિલ્લામાં અનેક ગામોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે. લાલપુર તાલુકાના પડાણા-મોડપર અને ડબાસંગમાં પોણા ત્રણ-પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પીપરટોડા-ભણગોરમાં બે-બે ઈંચ વરસાદ વરસતાં અસહ્ય બફારામાંથી રાહત અનુભવાઈ હતી. જામનગર શહેરમાં પણ આજે સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી.
જામનગર શહેર-જિલ્લામાં શુક્રવારથી મેઘાવી માહોલ વચ્ચે મેઘસવારીનુું આગમન થઈ ગયું હતું અને પ્રારંભમાં જ કાલાવડ પંથકમાં સામાન્ય ઝાપટાથી ત્રણ ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. જ્યારે આજે સવારે 10 વાગ્યા સુધીના વરસાદમાં લાલપુર તાલુકાના પડાણા-મોડપર-ડબાસંગમાં પોણા ત્રણ-પોણા ત્રણ ઈંચ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. જ્યારે ભણગોર અને પીપરટોડામાં બે-બે ઈંચ પાણી વરસતાં મુખ્ય માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. તેમજ મોટા પાંચદેવડામાં ગઈકાલના ત્રણ ઈંચ બાદ વધુ બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
તેમજ ગઈકાલે બપોરે 12 વાગ્યાથી આજે સવાર 10 વાગ્યા સુધીમાં લાલપુર-જામજોધપુરમાં એક-એક ઈંચ પાણી પડયું હતું. જ્યારે જામનગરમાં ઝરમર-ઝરમર ઝાપટાં પડયા હતાં અને જોડિયામાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું અને કાલાવડમાં શુક્રવારે વરસાદે વિરામ રાખ્યો હતો તેમજ પીએચસીના આંકડાઓ મુજબ મોટા ખડબામાં સવા ઈંચ, ધ્રાફામાં સવા ઈંચ અને ધુતારપુર, અલિયાબાડા, બાલંભા, પીઠડ, જાલિયાદેવાણી, નવાગામમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત લાખાબાવળ અને જામવંથલીમાં પોણો-પોણો ઈંચ પાણી પડયું હતું તથા ફલ્લા, દરેડ, શેઠવડાળા, પરવડા, ધુનડા, સમાણા-ખરેડીમાં ઝાપટારૂપે અડધો-અડધો ઈંચ પાણી વરસ્યું હતું.
જામનગર શહેરમાં શુક્રવારથી જ વાદળિયુ હવામાન વચ્ચે ઝરમર-ઝરમર મેઘો વરસ્યો હતો અને આજે સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ધીમી ધારે શરૂ થયેલા વરસાદમાં વચ્ચે વચ્ચે જોરદાર ઝાપટાં પણ વરસી રહ્યાં હતાં. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો ભીના થઈ ગયા હતાં અને તળાવની પાળ ઉપર તથા અનેક રોડ પર પાણી ભરાયેલા નજરે પડયા હતાં. ઉપરાંત જામનગર શહેરની શાન એવા લાખોટા તળાવમાં નવા નીરની આવક થવાથી તળાવનો નજારો નિહાળવા લાયક બની ગયો હતો.