જામનગર તાલુકાના ધુંવાવ ગામ પાસે આવેલા હાઇવે પર દુકાનના ઓટલા પર સૂતેલા વૃદ્ધને પુરપાટ અને બેફિકરાઇથી આવેલા વાહનએ ઓટલા ઉપર વાહન ચઢાવી દઇ વૃદ્ધને ચગદી નાખતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ધુંવાવ ગામ પાસે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધીંગેશ્ર્વર મહાદેવ મંદિર તરફ જતાં રસ્તાની બાજુમાં આવેલી દુકાનના ઓટલા ઉપર ઓસમાણભાઇ અલીભાઇ મોગલ (ઉ.વ.65) નામના વૃદ્ધ ગુરૂવારે રાત્રિના સમયે નિંદ્રાધિન હતા ત્યારે પુરપાટ આવી રહેલાં અજાણ્યા વાહનચાલકએ રોડની બાજુમાં રહેલી દુકાનના ઓટલા ઉપર વાહન ચઢાવી દઇ નિંદ્રાધિન વૃદ્ધના માથા ઉપર વાહનના ટાયર ફરી વળતાં ચગદાઇ જવાથી ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નિપજયું હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્ર મ.હુસેન મોગલ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી, અકસ્માત સર્જી નાશી ગયેલા કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


