Friday, January 9, 2026
Homeરાજ્યજામનગરમકરસંક્રાતિ પહેલા જામનગર ટ્રાફીક પોલીસની અનોખી પહેલ - VIDEO

મકરસંક્રાતિ પહેલા જામનગર ટ્રાફીક પોલીસની અનોખી પહેલ – VIDEO

ટુ-વ્હીલર વાહન ચાલકો માટે સેફટી વાયર લગાવી સલામતી સુનિશ્ચિત

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે પ્રશંસનીય અને સમયોચિત કામગીરી હાથ ધરવામાં આવી છે. મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવતા પતંગબાજીનું પ્રમાણ વધે છે, જેના કારણે રસ્તા પર વાહન ચલાવતા સમયે પતંગના દોરા લાગવાની ઘટના બનવાની સંભાવના વધી જાય છે. ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકો માટે પતંગનો દોરો ગળામાં ફસાઈ જવાથી ગંભીર પ્રકારની ઈજાઓ થવાની ભીતિ રહેતી હોય છે.

- Advertisement -

આવા અકસ્માતો જામનગરમાં ન બને અને વાહન ચાલકો સુરક્ષિત રહે તે હેતુથી જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત શહેરના અંબર ચોકડી વિસ્તારમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ટુ-વ્હીલર વાહનોની આગળની સાઈડ પર સેફ્ટી વાયર લગાવવામાં આવ્યા.

- Advertisement -

ટ્રાફિક પોલીસના જવાનો સ્થળ પર હાજર રહીને મોટરસાયકલ અને સ્કૂટર જેવા ટુ-વ્હીલર વાહનોમાં આ સેફ્ટી વાયર જાતે જ લગાવી રહ્યા છે, જેથી અચાનક પતંગનો દોરો સામે આવે તો તે વાહન ચાલકના ગળા અથવા શરીરને નુકસાન ન પહોંચાડી શકે. સાથે સાથે વાહન ચાલકોને પતંગના દોરાથી થનારા જોખમ અંગે સમજ આપી સલામતી માટે જાગૃત પણ કરવામાં આવ્યા.

અંબર ચોકડી વિસ્તારમાં કરવામાં આવેલી આ કામગીરીને વાહન ચાલકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ટ્રાફિક પોલીસની આ પહેલને વખાણી રહ્યા છે અને તેને માનવજીવનની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યા છે.
જામનગર ટ્રાફિક પોલીસની આ કામગીરી માત્ર ફરજ પૂરતી નહીં પરંતુ નાગરિકોની જીવ સલામતી માટેની સંવેદનશીલ અને જવાબદાર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. મકરસંક્રાંતિના તહેવારમાં આનંદ સાથે સૌ કોઈ સલામતીનું પણ ખાસ ધ્યાન રાખે, એવો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular