જામનગર શહેરમાં પવિત્ર રમજાન મહિનાની પવિત્રતા સાથે સાથે કોમી એકતાના સુંદર અને પ્રેરણાદાયક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના દરબારગઢ વિસ્તારમાં આવેલ બજારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચેનો ભાઈચારો એક અનોખું ઉદાહરણ બની રહ્યો છે.

દરરોજ સાંજના સમયે રોજા ખોલવાનો સમય નજીક આવે છે ત્યારે અહીંના હિન્દુ વેપારીઓ મુસ્લિમ ભાઈઓ માટે નિ:સ્વાર્થ ભાવથી ઇફતારીની વ્યવસ્થા કરે છે. બહારથી ખરીદી કરવા આવતા મુસ્લિમ ભાઈઓને પ્રેમ અને આત્મિયતા સાથે ઇફતાર કરાવવામાં આવે છે, જે માનવતાનું જીવંત દૃશ્ય રજૂ કરે છે.
ઇફતારમાં વિવિધ પ્રકારના નાસ્તા, દૂધ, ઠંડા પીણાં અને તાજા ફળોનો સમાવેશ કરવામાં આવે છે. દરરોજ અંદાજે 100 જેટલા લોકો માટે ઇફતારી તૈયાર કરવામાં આવે છે, જેમાં સૌ લોકો સાથે મળીને એકતા અને પ્રેમનો અનુભવ કરે છે.
આ સેવાકીય કાર્ય છેલ્લા લગભગ 15 વર્ષથી સતત ચાલું છે. દરબારગઢના નાના વેપારીઓ નિષ્ઠા અને સમર્પણથી આ પરંપરાને આગળ વધારી રહ્યા છે, જે સમાજમાં સૌહાર્દ અને ભાઈચારો મજબૂત બનાવે છે.
View this post on Instagram
આ સેવાકીય કાર્યમાં કિશોર ગોલારાણા, રોહિત ગોલરાણા, હીરાભાઈ સિંધી, આમદ પુંજા, આસિફ મણીયાર અને ભુરાભાઈ (ઈકબાક) ખફી મસીતીયા વાળા જેવા આગેવાનોનો વિશેષ ફાળો રહ્યો છે, સાથે જ જેઓ નિષ્ઠાપૂર્વક સેવા આપીને આ કાર્યને આગળ વધારી રહ્યા છે.
વિશેષ વાત એ છે કે દરબારગઢ વિસ્તારમાં વર્ષ દરમિયાન પણ હિન્દુ અને મુસ્લિમ સમાજ ભાઈચારાથી સાથે રહે છે અને તમામ તહેવારો મળીને ઉજવે છે. આ પરંપરા શહેરમાં એકતા અને ભાઈચારાનું જીવંત પ્રતિક બની ગઈ છે.
રમજાનના આ પવિત્ર મહિનામાં જામનગર શહેર હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્રોત સમાન છે.


