કાલાવડ તાલુકાના જામ દાદર ગામના પાટીયા પાસેથી પસાર થતા ટ્રક આડે નીલગાય જેવું જનાવર આડુ ઉતરતા ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર યુવાનનું કેબિનમાં દબાઈ જવાથી મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ધુશિયા ગામમાં રહેતો પ્રકાશભાઈ ગોવિંદભાઈ વાંજા નામનો યુવાન ગત તા.26 ના રોજ સુત્રાપાડાથી સોડા ભરીને જામનગર તરફ આવતો હતો તે દરમિયાન જીજે-32-ટી-9477 નંબરનો ટ્રક તા.27 ના વહેલીસવારના પાંચ વાગ્યાના અરસામાં કાલાવડ તાલુકાના જામદાદર ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે સામેથી નીલગાય જેવું જનાવર આડુ પડતા ચાલક પ્રકાશભાઈએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સોડા ભરેલો ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કેબિનમાં બેસેલા દેવાભાઈ સામતભાઈ ચાવડા નામના યુવાનને છાતીમાં તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દેવાભાઈ અને પ્રકાશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં દેવાભાઈનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રાજાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.